Khet Talavadi Yojana : ગુજરાતના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી યોજનાની જાહેરાત કરી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી પાકને બચાવવા અને ખેડૂતોની આવક વધારવાના હેતુથી “ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ, ખેડૂતોએ પોતાના ખર્ચે ખેત તલાવડી બનાવવાની રહેશે, જેની સામે સરકાર તળાવમાં પાણીનો સંગ્રહ કરવા માટે ખાસ પ્રકારનું પ્લાસ્ટિક (જીઓમેમ્બ્રેન) મફતમાં ફીટ કરી આપશે.
આ યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે જીઓમેમ્બ્રેનને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી અને તલાવડીમાં લાંબો સમય સંગ્રહિત રહે છે. આ પાણીનો ઉપયોગ ખેડૂતો વરસાદ ખેંચાય ત્યારે અથવા શિયાળુ પાકની સિંચાઈ માટે કરી શકે છે, જેનાથી પાકને બચાવી શકાય છે અને ઉપજમાં પણ વધારો કરી શકાય છે.
હાલમાં કયા જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે? Khet Talavadi Yojana
સરકાર દ્વારા હાલમાં નીચે મુજબના જિલ્લાઓના ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે: અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરુચ, છોટાઉદેપુર, દાહોદ, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, ખેડા, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડ.
યોજનાની મુખ્ય શરતો અને ખેત તલાવડીનું માપ
આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક મુખ્ય શરતો નક્કી કરવામાં આવી છે.
- યોજનાનો સૌથી મહત્વનો નિયમ એ છે કે ખેડૂતે પોતાના ખેતરમાં ખેત તલાવડીનું ખોદકામ સંપૂર્ણપણે સ્વખર્ચે કરવાનું રહેશે. સરકાર ફક્ત જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાનો લાભ આપશે.
- ખેત તલાવડીની સાઈઝ: સરકારે ખેત તલાવડી માટે લઘુત્તમ અને મહત્તમ માપ નક્કી કર્યા છે.
- લઘુત્તમ સાઈઝ: મથાળે ૧૫ મીટર x ૧૫ મીટર અને ૩ મીટર ઊંડી.
- મહત્તમ સાઈઝ: મથાળે ૪૦ મીટર x ૪૦ મીટર અને ૬ મીટર ઊંડી.
- સરકાર દ્વારા મહત્તમ ૨૪૬૦ ચોરસ મીટર સુધીનું જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. જો ખેડૂત આનાથી મોટી તલાવડી બનાવે અને વધુ જીઓમેમ્બ્રેનની જરૂર પડે, તો વધારાનો ખર્ચ ખેડૂતે પોતે ભોગવવાનો રહેશે.
ખેત તલાવડી યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજનામાં ભાગ લેવા ઈચ્છતા ખેડૂતો તા: ૧૭/૦૯/૨૦૨૫ થી તા: ૧૦/૧૦/૨૦૨૫ દરમિયાન સત્તાવાર વેબસાઈટ https://g-talavadi.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
ઓનલાઈન અરજી કરતી વખતે નીચે મુજબની વિગતો અને દસ્તાવેજો તૈયાર રાખવા:
- ખેડૂતનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધારકાર્ડની નકલ.
- જે ખેતરમાં તલાવડી બનાવવાની હોય તેનો સર્વે નંબર, ૭/૧૨ અને ૮-અના ઉતારાની નકલ.
- જરૂરી જીઓમેમ્બ્રેનનું માપ ચોરસ મીટરમાં.
- ખેત તલાવડીનું ખોદકામ અને તેની જાળવણી સ્વખર્ચે કરવા અંગેનું બાંહેધરી પત્રક.
લાભાર્થીની પસંદગી કેવી રીતે કરવામાં આવશે?
લાભાર્થીઓની પસંદગી એક પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
- નિયત સમયમર્યાદામાં મળેલી તમામ ઓનલાઈન અરજીઓની સિંચાઈ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
- માન્ય અરજીઓમાંથી લાભાર્થીઓની પસંદગી માટે દરેક તાલુકા દીઠ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે.
- ડ્રોમાં જે ખેડૂતોનું નામ ખુલશે, તેમના ખેતરની સ્થળ તપાસ અને દસ્તાવેજોની ચકાસણી સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
- જો સ્થળ તપાસ દરમિયાન કોઈ અરજી અયોગ્ય જણાય, તો તેને રદ કરવામાં આવશે અને નિયત સંખ્યા પૂરી કરવા માટે ફરીથી ડ્રો કરવામાં આવી શકે છે.
- પસંદ થયેલા ખેડૂત દ્વારા તલાવડીનું ખોદકામ પૂર્ણ થયા બાદ જ સિંચાઈ વિભાગ દ્વારા જીઓમેમ્બ્રેન ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.