7 12 Utara : જમીન એ દરેક વ્યક્તિ માટે એક મહત્વપૂર્ણ મિલકત છે, પરંતુ ઘણીવાર આપણી પોતાની કે વડવાઓની જમીનના જૂના રેકોર્ડ્સ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. જમીન કોના નામે છે, તેમાં ક્યારે-ક્યારે ફેરફાર થયા, તે જાણવું એક જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયા હતી. પરંતુ, હવે ટેકનોલોજીના યુગમાં ગુજરાત સરકારે આ સમસ્યાનો અંત લાવી દીધો છે. હવે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પરથી માત્ર એક ક્લિકમાં છેક ઈ.સ. 1955થી લઈને આજ દિવસ સુધીના જમીનના તમામ રેકોર્ડ્સ જોઈ શકો છો.
આ સુવિધાથી નાગરિકોને સરળતાથી જમીનના રેકોર્ડ મળી જશે.
તમારી જમીનના રેકોર્ડ ક્યાં જોવા મળશે? – 7 12 Utara
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રેકોર્ડ્સને ડિજિટાઇઝ કરવા માટે anyror.gujarat.gov.in નામનું ઓનલાઈન પોર્ટલ ચલાવવામાં આવે છે. AnyROR નો અર્થ છે “Any Record of Rights Anywhere”, એટલે કે તમે ગમે ત્યાંથી જમીનના અધિકારને લગતા રેકોર્ડ્સ મેળવી શકો છો. આ પોર્ટલ પર ગામના નમૂના નંબર ૭/૧૨, ૮-અ, અને હકપત્રક (નમૂના નં-૬) જેવી મહત્વપૂર્ણ વિગતો ઉપલબ્ધ છે.
કેવી રીતે જોશો જૂનામાં જૂના જમીનના રેકોર્ડ? (AnyROR Gujarat)
1955 સુધીના જૂના રેકોર્ડ્સ જોવા માટે, તમારે નીચે મુજબના સરળ સ્ટેપ્સ અનુસરવાના રહેશે:
- સૌ પ્રથમ, તમારા બ્રાઉઝરમાં AnyROR ની સત્તાવાર વેબસાઈટ anyror.gujarat.gov.in ખોલો.
- હોમપેજ પર તમને “જૂના સ્કેન કરેલા ગામના નમૂના નં-૭/૧૨ના ઉતારા જુઓ” નામનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં તમારે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે.
- જે જમીનનો રેકોર્ડ તમે જોવા માંગો છો તેનો સર્વે નંબર/બ્લોક નંબર દાખલ કરો.
- સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નીચેના બોક્સમાં નાખો.
- બધી વિગતો ભર્યા પછી, “Get Record Detail” બટન પર ક્લિક કરો. તરત જ, તે સર્વે નંબરને લગતા 1955થી ઉપલબ્ધ તમામ જૂના અને સ્કેન કરેલા ૭/૧૨ના રેકોર્ડ્સ તમારી સ્ક્રીન પર આવી જશે.
7/12 અને 8-અ સિવાય અન્ય કઈ માહિતી મળશે?
AnyROR પોર્ટલ માત્ર જૂના રેકોર્ડ્સ પૂરતું મર્યાદિત નથી. આ પોર્ટલ પર તમે હાલના જમીન રેકોર્ડ્સ પણ જોઈ શકો છો. આ ઉપરાંત, જમીનમાં થયેલા ફેરફારોની નોંધ (હકપત્રક ફેરફાર નોંધ), માલિકના નામથી જમીન શોધવી (અમુક જિલ્લાઓ માટે), અને પ્રોપર્ટી કાર્ડ (શહેરી વિસ્તારો માટે) જેવી અન્ય ઘણી સુવિધાઓ પણ ઓનલાઈન ઉપલબ્ધ છે.
આ ડિજિટલ સુવિધાએ જમીન સંબંધિત કામકાજને ખૂબ જ સરળ અને પારદર્શક બનાવી દીધું છે, જેનાથી સામાન્ય નાગરિકનો સમય અને શક્તિ બંને બચે છે.