Origin of Gold : સોનાના ભાવ દિવસેને દિવસે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે, છતાં તેની માંગ ક્યારેય ઓછી થતી નથી. લગ્ન-પ્રસંગ હોય કે રોકાણ, ભારતીયો માટે સોનું હંમેશા પહેલી પસંદ રહ્યું છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કિંમતી પીળી ધાતુ, જેની પાછળ દુનિયા દીવાની છે, તે પૃથ્વી પર આવી ક્યાંથી? શું તે ધરતીના પેટાળમાં જ બની હતી? અને સૌથી મોટો સવાલ, પૃથ્વી પર હવે કેટલું સોનું વધ્યું છે? ચાલો, આજે આપણે વિજ્ઞાનના આધારે સોનાના આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ.
ધરતી પરનું સોનું ધરતીનું છે જ નહીં! તો આવ્યું ક્યાંથી? – Origin of Gold
તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે સોનું પૃથ્વી પર બનેલી ધાતુ નથી. તે હજારો-કરોડો વર્ષો પહેલાં અંતરિક્ષમાંથી પૃથ્વી પર આવ્યું હતું. વિજ્ઞાન અનુસાર, સોના જેવા ભારે તત્વોનું નિર્માણ તારાઓની અંદર થાય છે. જ્યારે કોઈ વિશાળ તારો પોતાનું જીવનચક્ર પૂરું કરે છે, ત્યારે તેમાં એક પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેને ‘સુપરનોવા’ કહેવામાં આવે છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હોય છે કે તે સોના જેવા ભારે તત્વોનું સર્જન કરે છે.
આ વિસ્ફોટ બાદ, સોનાના આ કણો અંતરિક્ષમાં ફેલાઈ જાય છે અને ઉલ્કાપિંડોનો ભાગ બની જાય છે. કરોડો વર્ષો પહેલાં, આવા જ સોનાથી ભરેલા ઉલ્કાપિંડો પૃથ્વી સાથે ટકરાયા અને ધીમે ધીમે સોનું પૃથ્વીના પેટાળમાં ભળી ગયું. આજે આપણે જે સોનું ખાણોમાંથી કાઢીએ છીએ, તે એ જ અંતરિક્ષમાંથી આવેલું સોનુ છે.
પૃથ્વી પર હવે કેટલું સોનું બચ્યું છે?
યુએસ જીઓલોજિકલ સર્વેના એક અંદાજ મુજબ, માનવ ઇતિહાસમાં અત્યાર સુધીમાં લગભગ 2,00,000 ટન સોનું પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ કુલ જથ્થામાંથી લગભગ 80% સોનું છેલ્લા પાંચ હજાર વર્ષોમાં જ કાઢવામાં આવ્યું છે.
તો હવે સવાલ એ છે કે પૃથ્વીના પેટાળમાં કેટલું સોનું બચ્યું છે? વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે હજુ પણ લગભગ 50,000 ટન સોનું જમીનની નીચે છે. જોકે, કેટલાક અન્ય આંકડા મુજબ, ખાણકામ માટે ઉપલબ્ધ સોનું હવે માત્ર 20% જ બચ્યું છે.
સોનું આટલું બધું મહત્વનું કેમ છે?
સોનું માત્ર એક ચમકતી ધાતુ નથી, પરંતુ તેના અનેક ઉપયોગો અને ઐતિહાસિક મહત્વને કારણે તે કિંમતી બન્યું છે.
- ચલણ તરીકે ઉપયોગ: પ્રાચીન સમયમાં, સોનાનો ઉપયોગ સિક્કા અને ચલણ તરીકે થતો હતો.
- આભૂષણો: તેની સુંદરતા અને ક્યારેય કાળું ન પડવાના ગુણને કારણે, તે ઘરેણાં બનાવવા માટે સર્વશ્રેષ્ઠ ધાતુ છે.
- ટેકનોલોજીમાં ઉપયોગ: તમને જાણીને નવાઈ લાગશે, પણ તમારા મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં પણ થોડા પ્રમાણમાં સોનાનો ઉપયોગ થાય છે.
- સુરક્ષિત રોકાણ: અને સૌથી મહત્વનું, આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનાને વિશ્વનું સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, જેના કારણે તેનું મૂલ્ય હંમેશા જળવાઈ રહે છે.