ખેલૈયાઓ સાવધાન! આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ગરબાના રંગમાં પડી શકે છે ભંગ – Gujarat Weather Forecast

Gujarat Weather Forecast : ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર બરાબર જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. ચોમાસાની વિદાય પહેલાં જ રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આજે વહેલી સવારથી વડોદરમાં વરસાદ વરસી રહ્યો છે , ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓ માટે આગામી ચાર દિવસ, એટલે કે 28 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર સુધી, ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ આગાહીને પગલે ગરબાના આયોજન પર સંકટના વાદળો ઘેરાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એક સક્રિય વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં 03 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં અને ક્યારે પડશે વરસાદ? જાણો 4 દિવસની સંપૂર્ણ આગાહી – Gujarat Weather Forecast

આજની આગાહી (28 સપ્ટેમ્બર):

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા કહેર વર્તાવી શકે છે.

  • અત્યંત ભારે વરસાદ: સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી છે.
  • અતિ ભારે વરસાદ: અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે.
  • ભારે વરસાદ: જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.

આવતીકાલની આગાહી (29 સપ્ટેમ્બર):

આવતીકાલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે.

  • અત્યંત ભારે વરસાદ: અમરેલી અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
  • અતિ ભારે વરસાદ: રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.
  • ભારે વરસાદ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની ચેતવણી છે.

30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબરની આગાહી:

  • 30 સપ્ટેમ્બર: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
  • 01 ઓક્ટોબર: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

03 ઓક્ટોબર સુધી રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની ચેતવણી બાદ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. 02 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત વડોદરા અને છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ આગાહીને પગલે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓને સાવચેતી રાખવા અને હવામાન પર નજર રાખવા સલાહ આપવામાં આવે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!