FASTag New Rules : જો તમે FASTag વગર નેશનલ હાઇવે પર મુસાફરી કરો છો અથવા તમારું FASTag ખરાબ થઈ ગયું છે, તો અત્યાર સુધી ટોલ પ્લાઝા પર બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો, જે વાહનચાલકો માટે મોટી ચિંતાનો વિષય હતો. પરંતુ હવે, કેન્દ્ર સરકારે કરોડો વાહનચાલકોને મોટી રાહત આપતા આ નિયમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સરકારે જાહેરાત કરી છે કે 15 નવેમ્બર, 2025 થી, FASTag વગરના વાહનો જો UPI દ્વારા ટોલ ચૂકવશે, તો તેમને બમણો ટોલ નહીં ભરવો પડે.
શું છે ટોલ ટેક્સનો નવો નિયમ? – FASTag New Rules
કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે ફી (દર અને વસૂલાતનું નિર્ધારણ) નિયમો, 2008 માં સુધારો કર્યો છે, જે 15 નવેમ્બર, 2025 થી દેશભરમાં લાગુ થશે.
- જૂનો નિયમ: અત્યાર સુધી, જો કોઈ વાહનમાં માન્ય FASTag ન હોય, તો તેને ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો (2 ગણો) ટોલ ચૂકવવો પડતો હતો.
- નવો નિયમ: હવે, જો કોઈ વાહન FASTag વગર ટોલ પ્લાઝા પર પહોંચે છે અને UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ કરે છે, તો તેને ફક્ત સવા ગણો (1.25 ગણો) ટોલ જ ચૂકવવો પડશે. જોકે, એ યાદ રાખવું જરૂરી છે કે જો તમે રોકડમાં ચુકવણી કરશો, તો તમારે હજુ પણ બમણો ટોલ જ ભરવો પડશે.
વાહનચાલકોને કેટલો ફાયદો થશે? (એક ઉદાહરણ)
આ નવા નિયમથી વાહનચાલકોને આર્થિક રીતે કેટલો ફાયદો થશે તે એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વાહન માટે સામાન્ય ટોલ ફી ₹100 છે:
- FASTag થી ચુકવણી: ₹100
- રોકડમાં ચુકવણી (FASTag વગર): ₹200 (બમણો ટોલ)
- UPI થી ચુકવણી (FASTag વગર): ₹125 (સવા ગણો ટોલ)
આમ, જો તમારી પાસે FASTag નથી, તો પણ UPI દ્વારા ચુકવણી કરવાથી તમે રોકડની સરખામણીમાં સીધા ₹75 બચાવી શકો છો.
સરકારનો હેતુ: કેશલેસ અને ઝડપી મુસાફરી
સરકારના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારોને ઘટાડવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. આનાથી ટોલ સીસ્ટમ વધુ પારદર્શક અને ઝડપી બનશે. UPI પેમેન્ટના વિકલ્પથી વાહનચાલકોને ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાંથી રાહત મળશે અને મુસાફરીનો સમય પણ બચશે. સરકારનો અંતિમ ઉદ્દેશ્ય ધીમે ધીમે તમામ ટોલ લેનને સંપૂર્ણપણે કેશલેસ અને ડિજિટલ બનાવવાનો છે, જેથી દેશભરના હાઇવે પર મુસાફરી વધુ સરળ અને ઝડપી બને.