Arattai App : ડિજિટલ ભારતના ચેટિંગ માર્કેટમાં, જ્યાં WhatsApp અને Telegram જેવી વિદેશી એપ્સનો દબદબો છે, ત્યાં હવે એક ભારતીય એપ્લિકેશને ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતની અગ્રણી ટેક કંપની Zoho ના સ્થાપક શ્રીધર વેમ્બુએ જાહેરાત કરી છે કે તેમની નવી મેસેજિંગ એપ ‘Arattai’ (અરટ્ટાઇ) લોન્ચ કરવામાં આવી છે. ‘Arattai’ એ તમિલ શબ્દ છે જેનો અર્થ ‘ગપસપ’ (chit-chat) થાય છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ખાસ કરીને ભારતના એવા યુઝર્સ માટે બનાવવામાં આવી છે જેઓ સસ્તા સ્માર્ટફોન વાપરે છે અથવા જ્યાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોય છે.
શું છે ‘Arattai’ એપ અને કોના માટે છે ખાસ?
‘Arattai’ એ Zoho દ્વારા વિકસાવવામાં આવેલ એક ચેટીંગ એપ છે જેનો હેતુ યુઝર્સને એક સરળ અને ભરોસાપાત્ર મેસેજિંગનો અનુભવ આપવાનો છે. Zoho ના CEO શ્રીધર વેમ્બુના જણાવ્યા અનુસાર, આ એપને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે ઓછા પ્રોસેસિંગ પાવરવાળા મોબાઈલ અને ઓછી સ્પીડવાળા ઇન્ટરનેટ કનેક્શન પર પણ સરળતાથી ચાલી શકે.
શ્રીધર વેમ્બુનો આ એપ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એક એવું પ્લેટફોર્મ બનાવવાનો છે જે દરેક માટે સુલભ હોય, પછી ભલે તેમની પાસે ગમે તેવો ફોન કે ઇન્ટરનેટ કનેક્શન હોય. આ એપ દ્વારા Zoho ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના એવા કરોડો યુઝર્સ સુધી પહોંચવા માંગે છે જેઓ ડિજિટલ અસમાનતાનો સામનો કરી રહ્યા છે.
‘Arattai’ ના મુખ્ય ફીચર્સ શું છે?
આ એપને ખાસ કરીને ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેના મુખ્ય ફીચર્સ નીચે મુજબ છે:
- ઓછી નેટમાં સારું પ્રદર્શન: ‘Arattai’ ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ખૂબ જ ઓછો ડેટા વાપરે છે. તે એવા વિસ્તારોમાં પણ સારી રીતે કામ કરવા માટે ઓપ્ટિમાઇઝ કરેલ છે જ્યાં ઇન્ટરનેટ કનેક્શન ખૂબ જ નબળું હોય છે.
- લાઇટવેઇટ ડિઝાઇન: આ એપને ખૂબ જ હલકી (લાઇટવેઇટ) બનાવવામાં આવી છે, જેથી તે ઓછી રેમ અને સ્ટોરેજવાળા બજેટ સ્માર્ટફોનમાં પણ સરળતાથી ચાલી શકે.
- સરળ અને ઝડપી અનુભવ: લાઇટવેઇટ હોવા છતાં, આ એપ ઝડપી લોડિંગ અને સરળ કોમ્યુનિકેશન ટૂલ્સ સાથે એક સારો મેસેજિંગ અનુભવ આપે છે.
શું Arattai ખરેખર WhatsApp ને ટક્કર આપી શકશે?
આજકાલ સૌથી મોટો સવાલ એ છે કે શું ‘Arattai’ ખરેખર WhatsApp જેવી દિગ્ગજ એપને ટક્કર આપી શકશે? ‘Arattai’ એવા લાખો ભારતીય યુઝર્સ માટે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે જેઓ મોંઘા ફોન કે હાઇ-સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકતા નથી. આ એપ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ડિજિટલ કોમ્યુનિકેશનને પ્રોત્સાહન આપી શકે છે.
જોકે, હાલમાં આ એપ WhatsApp ની સંપૂર્ણ હરીફ બનવા માટે તૈયાર નથી. તેનું મુખ્ય કારણ એ છે કે ‘Arattai’ માં હાલમાં મેસેજ માટે ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન’ જેવી મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધાનો અભાવ છે. આ સુવિધા WhatsApp ની પ્રાઇવસીનો મુખ્ય આધાર છે. તેથી, કનેક્ટિવિટીના મામલે તે એક ઉત્તમ વિકલ્પ છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેને હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. જો તમે પણ Arattai એપ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો.