LPG Price : દિવાળીના તહેવારો નજીક છે અને મોંઘવારીને લઈને ચિંતિત સામાન્ય માણસ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે, જે સાંભળીને પહેલી નજરે ઝટકો લાગી શકે છે. પરંતુ, રાહતની વાત એ છે કે આ ભાવવધારો સામાન્ય માણસના ઘરના બજેટ પર સીધી અસર નહીં કરે. સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે.
કોમર્શિયલ સિલિન્ડર થયો મોંઘો, જાણો નવા ભાવ – LPG Price
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹16 સુધીનો વધારો કર્યો છે. આ ભાવવધારાની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાણી-પીણીના વ્યવસાયો પર પડશે.
દેશના મુખ્ય શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ:
- દિલ્હી: ₹1580 થી વધીને હવે ₹1595.50.
- કોલકાતા: ₹1684 થી વધીને હવે ₹1700.
- મુંબઈ: ₹1531.50 થી વધીને હવે ₹1547.
- ચેન્નઈ: ₹1738 થી વધીને હવે ₹1754.
ગુજરાતના શહેરોમાં શું છે ભાવ?
ગુજરાતના મુખ્ય શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:
- અમદાવાદ: ₹1613.50
- રાજકોટ: ₹1587.50
- સુરત: ₹1546.50
- વડોદરા: ₹1657
નોંધ : આ કિંમતો વેબસાઇટ goodreturns.in/ પરથી લેવામાં આવી છે. આ ભાવમાં ફેરફાર હોઈ શકે છે.
ગૃહિણીઓ માટે મોટી રાહત, ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત
સામાન્ય માણસ અને ખાસ કરીને ગૃહિણીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે 14 કિલોગ્રામના ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિવાળીના તહેવારોમાં ઘરના ખર્ચ વધી જતા હોય છે, ત્યારે સરકારના આ નિર્ણયથી કરોડો પરિવારોના બજેટને રાહત મળશે. દેશના મોટાભાગના શહેરોમાં ઘરેલું રસોઈ ગેસનો ભાવ ₹850 થી ₹960 ની વચ્ચે સ્થિર છે. હાલમાં અમદાવાદમાં ઘરેલું સિલિન્ડર ₹860 માં મળી રહ્યો છે, જ્યારે દિલ્હીમાં ₹853 અને મુંબઈમાં ₹852.50 માં ઉપલબ્ધ છે.
ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને દિવાળી ભેટ
આટલું જ નહીં, સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે પણ દિવાળી ભેટની જાહેરાત કરી છે.
- ઉત્તર પ્રદેશમાં ઉજ્જવલા યોજના હેઠળ આવતી 1.85 કરોડ મહિલાઓને દિવાળી પહેલાં એક મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવામાં આવશે.
- કેન્દ્ર સરકારે પણ નવરાત્રિ દરમિયાન 25 લાખ નવા પ્રધાનમંત્રી ઉજ્જવલા કનેક્શન આપવાની જાહેરાત કરી છે, જેનાથી દેશભરમાં કુલ કનેક્શનની સંખ્યા 10 કરોડ 60 લાખ થઈ જશે.